આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ૩ કેસબારી કાર્યરત
સારા ન્યુઝ, આણંદ
રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય લક્ષી શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ જનરલ /સિવિલ હોસ્પિટલ, તાલુકા કક્ષાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આણંદ જિલ્લા મથક ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે અગાઉ દર્દીઓને કેસ કઢાવવા માટે એક બારી ઉપલબ્ધ હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી દર્દીઓની સંખ્યા ઉત્તરોતર વધતા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા દ્વારા દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે ત્રણ કેસ બારી શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત કોઈક સંજોગોમાં લાઈટ ગઈ હોય ત્યારે કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થવાથી દર્દીઓને વધુ સમય ઊભું રહેવું ન પડે તે માટે કેસ બારી ખાતેથી જ મેન્યુઅલી કેસ પણ કાઢી આપવામાં આવે છે.
વધુમાં ડોક્ટર અમર પંડ્યાના જણાવ્યા મુજબ કેસબારી નંબર ૦૧ ખાતે ભાઈઓ અને બહેનોના જુના કેસ માટે, કેસ બારી નંબર ૦૨ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે, પીએમ.જે.વાય. કાર્ડના લાભાર્થીઓ માટે અને ડાયાલિસિસના દર્દીઓ માટે તથા કેસ બારી નંબર ૦૩ ખાતે સગર્ભા બહેનો માટે, ૦૧ થી ૧૮ વર્ષના બાળકો માટે અને ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન વ્યક્તિઓ માટેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.