કેન્દ્ર સરકારના વિકસિત ભારત@2047નાં સંકલ્પને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન યોજાશે
સારા ન્યુઝ, સુરત
કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૨૨ અને ૨૩ ઓક્ટો.ના રોજ ‘વિકસિત ભારત @2047’ વિષય પર નર્મદ યુનિ.ના શ્રીમદ્દ રાજચંદ્ર પ્રાર્થના હોલમાં ચિત્ર પ્રદર્શન યોજાશે.
ચિત્ર પ્રદર્શનનું ઉદ્દઘાટન તા.૨૨મીના રોજ સવારે ૧૦.૩૦ વાગે કુલપતિ ડૉ કે. એન. ચાવડા અને કુલસચિવ ડૉ આર. સી. ગઢવીના હસ્તે કરવામાં આવશે.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં કેન્દ્ર સરકારના વિકસિત ભારત @2047 નાં સંકલ્પને પૂર્ણ કરવા માટે લાગુ કરેલી લોકકલ્યાણની વિવિધ યોજનાઓ, વિવિધ ક્ષેત્રોનું પ્રદાન અને અન્ય માહિતી રજૂ કરવામાં આવશે. સાથે જ રોજગાર વિનિમય કચેરી અને પોસ્ટ વિભાગ દ્વારા મુલાકાતીઓને તેમની કામગીરીની માહિતી આપવામાં આવશે. પ્રદર્શન તા.૨૨ના સવારે ૧૧ થી ૬ તેમજ તા.૨૩ ના સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ સુધી નાગરિકો નિ:શુલ્ક નિહાળી શકશે. વધુમાં વધુ લોકો, યુવાનો નિહાળે અને સરકારની યોજનાઓ-પ્રકલ્પોની જાણકારી પ્રદર્શન થકી મેળવે તેવી અપીલ ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ કરી છે.