સારા ન્યુઝ, આણંદ
આણંદ ખાતે સરદાર પટેલ રાજમાર્ગ ઉપર સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નિર્માણ કરવામાં આવેલ ઇપ્કોવાલા ઓડિટોરિયમનું શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે , અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ, પૂ.ભાઇકાકા જેવી મહાન વિભૂતિઓએ આ વિસ્તારના લોકોના સામાજિક-શૈક્ષણિક અને આર્થિક કલ્યાણ માટે આદરેલા શિક્ષણ-સેવાના યજ્ઞના યોગદાનમાં આજે એક છોગુ ઉમેરાયું છે.
આ ઓડિટોરિયમ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. જે આણંદ, વિદ્યાનગર અને ખેડા જિલ્લાના નગરજનોને ઉપયોગી સાબિત થશે. ઓડિટોરિયમ માં ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઉભી કરવામાં આવી છે. આ ઓડિટોરિયમના નિર્માણમાં યુનિવર્સિટી તેમજ પદાધિકારીઓની મહેનત રંગ લાવી છે. ઓડિટોરિયમનો ઉપયોગ તંદુરસ્ત રીતે કરી આપણી સંસ્કૃતિનું જતન થાય તેવી મંત્રી એ અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓડીટોરીયમની બેઠક ક્ષમતા ૧૦૪૭ ની છે, જેનું બાંધકામ ગ્રાઉન્ડ ફલોર ૨૬૧૭.૦૫, પ્રથમમાળ ૧૬૯૧.૪૨, બીજોમાળ ૬૨૨.૪૬ મળી કુલ ૪૯૩૧.૪૩ ચોરસ મીટર થાય છે તથા પાર્કિંગ માટે ૨૫૧૨.૫૭ ચોરસ મીટર વિસ્તાર થયેલ છે.
ઓડીટોરીયમમાં ૧૦૦ ફૂટ×૩૦ ફૂટની સાઈઝનું વિશાળ સ્ટેજ બનાવવામાં આવેલ છે, જેમાં આધુનિક ઓડીયો સીસ્ટમ, લાઈટ સીસ્ટમ, એક વિશાળ સાઈઝની એલઈડી સ્કીન તથા નાની સાઈઝના બે સ્ક્રીન, સ્ટેજ ફર્નિચર, આધુનિક પુશબેક ખુરશીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત ઓડીટોરીયમ ખાતે ૫૦૦ વ્યક્તિઓની ક્ષમતાનો બેન્કવેટ હોલ, આધુનિક કોન્ફરન્સ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઓડીટોરીયમનો હોલ વોલ પેનલીંગ તથા ફોલ્સ સીલીંગ સાથે વાતાનુકુલિત બનાવવામાં આવેલ છે. બેન્કવેટ હોલ, આધુનિક કોન્ફરન્સ રૂમ તથા અન્ય રૂમ પણ ફોલ્સ સીલીંગ સાથે વાતાનુકુલિત બનાવેલ છે.
ઓડીટોરીયમમાં જે કોઈ પણ પ્રોગ્રામમાં દરમિયાન આવનાર મહાનુભવો માટે અલગ વીવીઆઈપી રૂમ, મેનેજર રૂમ, ૫ ગ્રીન રૂમની તથા ૩ નંગ લીફ્ટ, આધુનિક ફાયર ફાઈટીંગ સીસ્ટમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઓડીટોરીયમના પ્રથમ માળે બાલ્કનીમાં આર્ટ ગેલેરીનું આયોજન કરવામાં આવેલ છે.
ઓડીયોરીયમમાં વીજળીનો અવિરત પુરવઠો જળવાઈ રહે તે માટ જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. બૃહદ ખેડા જીલ્લામાં આ પ્રકારની ક્ષમતાનું તથા આધુનિક સગવડતા ધરાવતું પ્રથમ ઓડીટોરીયમ છે. જે સરદાર પટેલ રાજમાર્ગ પર હોઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક વ્યક્તિને ઉપયોગી રહેશે.
કાર્યક્રમના પ્રારંભમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલ સૌનો આવકાર કરી આ ઓડિટોરિયમ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૬ કરોડ અને દાતાશ્રી ઇપ્કોવાલા દાતા પરિવાર દેવાંગભાઈ પટેલ દ્વારા રૂપિયા ૨.૫ કરોડ નું મતદાન આપવામાં આવ્યું છે જેને કારણે આ ધુનિક ઓડિટોરિયમ નું નિર્માણ થઈ શક્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, આગ્રણી રાજેશભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, જગતભાઈ પટેલ, નીરવભાઈ અમીન, વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કોલેજના પ્રિન્સિપાલઓ, પ્રોફેસરઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.