જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આકાશી વીજળીથી બચવા અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ

જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આકાશી વીજળીથી બચવા અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ


ગુજરાત ભૂમિ, જામનગર

     આગામી સમયમાં વર્ષાઋતુમાં સમગ્ર જામનગર જિલ્લામાં વીજળી પડવાને કારણે પશુ મૃત્યુના બનાવ બને કે અન્ય નુકસાન થાય તેવી શક્યતા રહેલી છે. તેથી આકાશી વીજળીથી સુરક્ષિત રહેવા માટે પગલાં લેવા જરૂરી જણાય છે. જામનગરની જાહેર જનતાને આકાશી વીજળીથી બચવા માટે અત્રે જણાવ્યા અનુસાર માર્ગદર્શિકાનું પાલન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આકાશી વીજળી થતી હોય ત્યારે ઘરની અંદર હોવાના કિસ્સામાં શું કરવું જોઈએ ??

(1) વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું જોઈએ.(2) બારી-બારણાં અને છતથી દૂર રહેવું જોઈએ.(3) વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજવસ્તુથી દુર રહેવું જોઈએ.(4) ધાતુથી બનેલા પાઈપ, ફુવારા વગેરેના સંપર્કથી દૂર રહેવું જોઈએ.

આકાશી વીજળી સમયે જો ઘરની બહાર હોય તો શું કરવું જોઈએ ??

(1) ઉંચા વૃક્ષો વીજળીને આકર્ષિત કરે છે. તેથી આવા ઊંચા વૃક્ષોની નીચે આશરો લેવાનું ટાળવું જોઈએ. તેમજ પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંધવા ના જોઈએ.

(2) આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારોમાં આશરો લેવાનું ટાળવું જોઈએ.

(3) ટોળામાં રહેવાના બદલે છુટાછવાયા રહેવું જોઈએ.

(4) મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય છે. તેથી મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવવો જોઈએ.

(5) મુસાફરી દરમિયાન જે-તે વાહનમાં જ રહેવું જોઈએ. મજબૂત છત ધરાવતા વાહનમાં આશ્રય મેળવવો જોઈએ.

(6) પાણી વીજળીને આકર્ષિત કરે છે. તેથી પુલ, તળાવ કે જળાશયોથી દૂર રહેવું જોઈએ. જો પાણીની અંદર હોય તો બહાર નીકળી જવું જોઈએ.

(7) ધાતુની વસ્તુઓનો બહાર ઉપયોગ ના કરવો જોઈએ. ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઇલેક્ટ્રિક કે ટેલિફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહેવું જોઈએ.

આકાશી વીજળી પડવાની શક્યતા :જો તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમી જઈને કાન ઢાંકી દેવા જોઈએ. કારણકે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું જોઈએ. આ સમય દરમિયાન જમીન પર સૂવું નહીં કે જમીન પર હાથ ટેકવવા જોઈએ નહીં.

વીજળી કે ઈલેક્ટ્રિક શોક લાગ્યા પછી શું કરવું જોઈએ ??

(1) લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યક્તિને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા જોઈએ.

(2) મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો જોઈએ.

(3) કરંટ લાગનાર વ્યક્તિ દાઝી ગયેલી હોય તો તેના પર ઠંડુ પાણી રેડવું જોઈએ.

(4) કરંટ લાગનાર વ્યક્તિના શ્વાસોશ્વાસ તપાસીને તુરંત જ ડોક્ટરને જાણ કરવી જોઈએ.

(5) દાઝેલા ભાગ પર ચોંટી ગયેલા કપડાને ઉખેડવા ના જોઈએ.

(6) આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો તેમને સી.પી.આર. એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ. ત્યારબાદ તેમને તુરંત જ પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઈએ.

આકાશી વીજળી થતી હોય ત્યારે શું સાવચેતી રાખવી જોઈએ ??

(1) વીજળીની સલામતી માર્ગદર્શિકા એ 30-30 નો નિયમ છે. વીજળી જોયા પછી 30 ની ગણતરી શરુ કરવી. જો તમે 30 પર પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જવું. ગર્જનાના છેલ્લા પડઘા પછી ઓછામાં ઓછી 30 મિનિટ સુધી પ્રવૃત્તિઓ સ્થગિત કરો.

(2) ઈલેક્ટ્રિક વીજ ઉપકરણોને નુકસાન ના થાય તે માટે હંમેશા કાર્યરત સ્થિતિમાં અર્થિંગ ચાલુ રાખો.

(3) વણઉપયોગમાં હોય તેવા પ્લગ પ્લાસ્ટિક કવરથી ઢાંકી દેવા જોઈએ.

(4) ઈલેકટ્રીકના ઉપકરણો પાણીની લાઈન અને ભેજથી દૂર રાખવા જોઈએ.

(5) વીજળીના અવાહકો વડે ઘરને આકાશી વીજળીથી સુરક્ષિત બનાવવું.

(6) આકાશી વીજળી થાય ત્યારે જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર સુરક્ષિત સ્થળ પર જતા રહેવું જોઈએ.

(7) શોટ સર્કીટથી સ્વીચ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચ વાપરવી જોઈએ.

(8) ઘરના દરેક વ્યક્તિ મેઈન સ્વીચ વિષે માહિતગાર હોવા જોઈએ.

(9) ઈલેક્ટ્રિક કામના જાણકાર વ્યક્તિ પાસે જ ઇલેક્ટ્રિકનું કામકાજ કરાવવું જોઈએ.

(10) ઈલેક્ટ્રીક કામ કરતી વખતે વીજળીની અવાહક વસ્તુઓ પાસે જ ઉભા રહેવું જોઈએ.

(11) ભયાનક આકાશી વીજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં અંદર જતા રહેવું જોઈએ.

(12) ભયાનક આકાશી વીજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ના રહેવું જોઈએ.

(13) તમામ ઈલેક્ટ્રિક ઉપકરણોના પ્લગ કાઢી લેવા જોઈએ.

(14) ફિશિંગ રોડ કે છત્રી હાથમાં પકડી રાખવી નહીં.

(15) ઈલેક્ટ્રીક થાંભલા કે ટેલીફોનના થાંભલાને અડકવું જોઈએ નહીં.

હાલની ઋતુમાં તમામ નાગરિકો અત્રે જણાવ્યા અનુસાર આ જાગૃતિના પગલાં લે અને પોતાનું જીવન સુરક્ષિત બનાવે તેમ જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, જામનગરના ફોન નંબર 0288- 2553404 કે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર- 1077 પર સંપર્ક સાધી શકાશે. તેમજ જિલ્લા કક્ષાએ જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલરૂમના ફોન નંબર 0288- 2770515 પર સંપર્ક સાધી શકાશે તેમજ વિવિધ તાલુકા કક્ષાએ સંબંધિત મામલતદાર કચેરીના ફ્લડ કંટ્રોલરૂમ પર કાલાવડમાં 02894- 222002, જામજોધપુરમાં 02898- 221136, જોડીયામાં 02893- 222021, ધ્રોલમાં 02897- 222001 અને લાલપુરમાં 02895- 272222 પર સંપર્ક સાધી શકાશે. તેમ નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advt.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ઉનાળાની સિઝનને અનુલક્ષીને આઇસ્ક્રીમનું ઉત્પાદન કરતા એકમોની તપાસ Previous post ઉનાળાની સિઝનને અનુલક્ષીને આઇસ્ક્રીમનું ઉત્પાદન કરતા એકમોની તપાસ
વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો સરળતાથી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મોડલ જનસેવા કેન્દ્રો શરૂ કરાયાં Next post વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો સરળતાથી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મોડલ જનસેવા કેન્દ્રો શરૂ કરાયાં