વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો સરળતાથી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મોડલ જનસેવા કેન્દ્રો શરૂ કરાયાં
સારા ન્યુઝ, ગીર સોમનાથ
સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. આ સમયગાળામાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે જાતિ અંગેના પ્રમાણપત્રો, આવકના દાખલા, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વગેરે જુદા – જુદા દાખલાઓની જરૂરિયાત રહેતી હોય છે. આવા દાખલાઓ મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ / વાલીઓ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આવતા હોય છે.
આ માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ આગોતરું આયોજન કરી તાલુકા મથકે મોડેલ જનસેવા કેન્દ્રો ઉભા કરવામાં આવેલ છે. જ્યાં નાગરિકોને યોગ્ય સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.હાલ ઉનાળાના સમયમાં લોકોને તડકામાં ઉભું ન રહેવું પડે તે માટે છાંયડાની વ્યવસ્થા સાથે જરૂરિયાત મુજબ મંડપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ પીવા માટે ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકોને લાઈનમાં ઉભું ન રહેવું પડે તે માટે ટોકન સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
રાજ્ય સરકારની સૂચના મુજબ વિદ્યાર્થીઓ જુદા-જુદા પ્રમાણપત્રો / જાતિના દાખલાઓ માટે અરજી કરે તે જ દિવસે (same day) મળી રહે તેવી સુચારું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ ઉપરાંત, ભરતી પ્રક્રિયામાં કોઈ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોને જરૂરિયાત હોય તે સ્થળ ઉપર જ (At a Time) પ્રમાણપત્રો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ૧ લી માર્ચથી આજદિન સુધીમાં કુલ-૪૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આવક / જાતિ / નોન ક્રિમિલીયર જેવાં જુદા-જુદા પ્રમાણપત્રો માટે અરજી કરી હતી તે જે તમામ અરજીઓ તે જ દિવસે (same day) મંજૂર કરી અને પ્રમાણપત્રો ઈશ્યુ કરી આપવામાં આવ્યાં છે.